દેવગઢ બારિયાની પૂર્વમાં બેડાત નદીનાં કાંઠે વસેલું ગામ એટલે નાની ખજુરી. ૦૧-૦૧-૧૯૫૪ ના રોજ આ ગામમાં પ્રાથમિક શિક્ષણની શરૂઆત થઈ. શાળા માટે ગ્રામજનો દ્વારા શાળાને એક ચાર થાંભલે રોપાયેલા મંડપ જેવા મકાનમાં શાળાને બેસાડવાની શરૂઆત થઈ. એ વખતે ફળિયે ફળિયે શાળા બદલાતી. કોઈની ઓસરીમાં તો કોઈની ઘરની પછવાડે, અડાળી કે હડાળીમા શાળા બેસતી. દસ-બાર છોકરાથી શરૂઆત થયેલી એ છેલ્લે ગામના ખાનગી મકાનમાં ભાડે પણ રહી. પાંચ છ જગ્યાએ બદલાઈને છેલ્લે એક ઓરડામાં ચાર ધોરણો ભણાવવામાં આવતા, આગળ જતાં બાળકો વધતાં ૧૯૯૦ મા ધો. ૫ થી ૭ ને મંજૂરી મળી અને બાદમાં ૨૦૦૯ થી ધોરણ ૮ ની શરૂઆત થઈ. શાળામાં બાળકોની નોંધણી થતી પણ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થવા સુધીમાં બહું પાંખી હાજરી રહેતી.
ગુજરાતની પૂર્વ દિશામાં જ્યાં સૂરજ પહેલો દેખાય છે ત્યાં રતનમહાલની નાની ગીરીમળા પૂર્વ પશ્ચિમ ફેલાયેલી છે. જેનાથી મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદ બને છે. અહીંથી બે નદીઓ પૂર્વ અને પશ્ચિમ દિશામાં વહે છે. પાનમ ગામમાંથી પાનમ નદી વહીને મહિસાગર નદીને મળી જાય છે. આ પાનમ નદીનાં કાંઠે એક નગર વસેલું છે. એનું નામ દેવગઢ બારિયા. તેની આસપાસ વનરાજી ફેલાયેલી છે. ચોમાસામાં વરસાદ પછી ધરતી જાણે લીલી ચાદર ઓઢીને કોઈ નવોઢાની જેમ શોભી ઉઠે છે. નાનાં મોટાં ડુગરો પર વૃક્ષોની અજાયબીઓથી શોભતો આ પ્રદેશ સદીઓથી માણસને સંઘરીને બેઠો છે. દુનિયાના બહુ ઓછાં પરિચયમાં આવેલાં અહીંના ગામડાં વનમાં છે કે ગામમાં છીએ એવો આપણને પ્રશ્ન ઉભો કરી જાય!
આ પ્રદેશમાં આવેલા ગામ પણ પ્રકૃતિની પ્રતિકૃતિ જેવાં છે.દાહોદ જિલ્લામાં 698 ગામોમાંથી 453 ગામો વનવિસ્તારના ગામો છે. 453 ગામોની વનસંપદા અને તેનાં જંગલના ગામોમાં માણસો કરતાં વૃક્ષો વધુ હોય. આવાં આ ગામો ચોમાસામાં- શિયાળામાં પ્રકૃતિની ચાદર ઓઢીને લીલાંછમ જોઈએ ત્યારે આંખોને ગજબની ઠંડક પ્રસરી જાય.
આ શાળામાં ધોરણ ૧-૨ માં પ્રજ્ઞા અભિગમથી શિક્ષણ, ધોરણ ૩ થી ૮ માં તાસ પદ્ધતિથી જે તે વિષયના નિષ્ણાંત શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય કરવામાં આવે છે. અહીં ૨૦૨૦-૨૧ થી ગુજરાત સરકાર પ્રેરિત જ્ઞાનકુંજ પ્રોજેક્ટ દ્વારા ડિજિટલ રીતે ધોરણ ૬ થી ૮ ના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. શાળામાં સ્વચ્છતા બાબતે પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. શાળામાં બાર વર્ગખંડો ઉપલબ્ધ છે. શાળામાં બાળકોને નાની નાની રમતો થકી ખેલમહાકુંભ, ગ્રામિણ ઓલમ્પિકમાં ભાગ લેવા પ્રોત્સાહન આપવામાં આવે છે. અમારી શાળા તમામ સગવડો અને ઉત્તમ શૈક્ષણિક સ્ટાફ સાથે એક આદર્શ શાળા બનવા તરફ કામ કરી રહી છે. શાળાના બાળકોનો ખરો વિકાસ જ અમારી શાળાની ઉપલબ્ધિ છે.
આવનાર સમયમાં શાળાના બાળકો ખૂબ પ્રગતિ કરે અને સ્વનિર્ભર બને એ માટે અમારી શાળા સતત પ્રયત્નશીલ છે. અમારી આ શાળાની પ્રગતિ માટે અમારો પૂરો સ્ટાફ બાળકોને ક્રિએટિવ પ્રવૃતિઓ માટે તૈયાર કરતો રેહશે.
સરકારી પ્રાથમિક શાળાઓ આપના દેશની ધરોહર છે, ભારતમાં લગભગ ૬૫% થી વધુ લોકો ગામડા સાથે જોડાયેલા છે. એમાંય ગુજરાતના અંતરિયાળ ગામડાઓ કે જયાં આજે પણ શિક્ષકો અને વાલીઓ બાળકોને ભણાવવા માટે અથાગ પ્રયત્નો કરે છે. નાની ખજુરી પ્રાથમિક શાળાના શિક્ષકો અને ગામના વાલીઓ બાળકોને ભણાવવા માટે જે રીતે સંઘર્ષ કરી રહ્યા છે એ ખરેખર સરાહનીય છે. ડૉ. અબ્દુલ કલામથી પ્રેરિત થઈને અમે આ શાળાને અંતરીક્ષ શાળા બનવા જઈ રહ્યા છીએ, જેથી બાળકને વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગે.