શ્રી દિલીપભાઈ પટેલ

HTAT, PTC, M.A, B.Ed

આચાર્ય - નાનીખજુરી પ્રાથમિક શાળા દેવગઢ બારિયા ,દાહોદ, ગુજરાત

પ્રિય વિદ્યાર્થી ઓ, વાલીઓ તથા શુભચિંતકો, નાનીખજુરી પ્રાથમિક શાળા પરિવાર વતી આપ સૌનું આમારી શાળાની વેબસાઇટ પર હાર્દિક સ્વાગત છે. નાનીખજુરી પ્રાથમિક શાળાની શરૂઆત ૧૯૫૪ માં થયેલી, આ શાળાના ઘડતરમાં ઘણાં બધા ગ્રામજનોનું યોગદાન રહ્યું છે અને ઘણા ચડાવ ઉતાર પણ જોયા છે. અમારી શાળા છેલ્લા અમુક વર્ષોથી વિદ્યાર્થી હિતમાં ઘણું સારું કામ કરી રહી છે અને એનો સંપૂર્ણ શ્રેય શાળાના તમામ શિક્ષકોને તથા ગામના વાલીઓને જાય છે. આવનારા સમયમાં આ શાળા એક નવા સોપાનની શરૂઆત કરવા જઈ રહી છે. નાનીખજુરી પ્રાથમિક શાળાના ટુંકા અને લાંબા ગાળાના ધ્યેય નીચે મુજબ છે.

ધ્યેય ૨૦૨૫
  • (૧) શાળાના બાળકોની હાજરી ૧૦૦% સુધી લઈ જવી, એ માટે સતત વાલી સંપર્કમાં રેહવું.
  • (૨) શાળાના બાળકો પ્રાથમિક શાળામાંથી ઉચ્ચતર માધ્યમિકમાં ભણવા જાય એ હેતુથી અભ્યાસમાં રુચિ પડે એવા પ્રયોગો હાથ ધરવા જેથી ડ્રોપ આઉટ રેશિયો સુધારી શકાય.
  • (૩) અમારી શાળાના બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે એ માટે શાળાને અંતરીક્ષ તથા બ્રહ્માંડ જેવા વિષયો દ્વારા વધુને વધુ માહિતગાર કરવા.
  • (૪) આ શાળામાં વિજ્ઞાનને લગતી ડોક્યુમેન્ટરી, બુક્સ અને કૃતિઓથી બાળકોને સરળભાષામાં સમજણ આપવી.
  • (૫) શાળાના વિદ્યાર્થીઓને એક સારા નાગરિક તરીકે તૈયાર કરવા, ભવિષ્યમાં સ્વઆવડતના આધારે આત્મનિર્ભર બને એ માટે સજ્જ કરવા. એનાથી ભવિષ્યમાં શ્રેષ્ઠ નાગરિકો તૈયાર થશે. અમારી શાળાના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ સમાજ અને દેશ નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે.
  • (૬) ગુજરાતની અન્ય શાળાના કુશળ શિક્ષકો, યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને દેશ વિદેશમાં વસતા શાળાના શુભચિંતકો સાથે સતત જોડાયેલા રહી, નાની ખજુરી શાળાના બાળકોને વધુમાં વધુ જ્ઞાન, સમજણ તથા કેળવણી મળી રહે એ માટે પ્રયત્નશીલ રહીશું.
  • (૭) અમારી શાળાના શિક્ષકો અને ગ્રામજનોની વચ્ચે સુસંગતતા જળવાઈ રહે, અને શાળાએ આવતું બાળક આવતીકાલે આજ શાળાને અન્ય કક્ષા સુધી લઈ જાય એ માટે સામાજિક સંકલનના પ્રયોગો કરતાં રેહવું.

અમારી શાળાને આવતીકાલે એક ચોકકસ ધ્યેય સાથે, વિદ્યાર્થીઓના હિત માટે, મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે, તૈયાર કરી રહ્યા છીએ. આ માટે અમારી નાની ખજુરી પ્રાથમિક શાળા, કોઈ પણ બુદ્ધિજીવીઓ, સામાજિક સંસ્થાઓ તેમજ અન્ય સરકારી શાળાઓ સાથે માત્ર વિદ્યાર્થીઓના હિત માટે જોડાવવા અને ચોક્કસ પ્રોજેક્ટ થકી કામ કરવા માટે કટિબદ્ધ છીએ. આ માટે અમારી શાળાનો સંપર્ક કરી શકો છો.

વંદે માતરમ્

To Top ↑