નાનીખજુરી ગામ વિશે

નાનીખજુરી દેવગઢબારિયા તાલુકાનું છેવાડાનુ અને આંતરિક ગામ છે. કોળી , રાવળ અને નાયક આ ત્રણ જાતિના લોકો અહીં વસવાટ કરે છે. છેલ્લી વસ્તી ગણતરી મુજબ ૨૧૫૦ લોકો વસે છે.

નાનીખજુરી ગામના લોકો એ પોતાને ખાવાં મળી શકે એ પુરતી ખેતીવાડી ધરાવતાં સીમાંત ખેડૂતો છે. સાથે સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરે છે. વધુ આવક મેળવવા ગામના ૭૦% જેટલાં લોકો સેન્ટિગ કામ સાથે સંકળાયેલા છે. જે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, મુંબઈ, નવસારી, વલસાડ જેવા શહેરોમાં જાય છે તો બે પાંચ ટકા સૌરાષ્ટ્રમાં ખેતીવાડીમાં મજુરી કામે જાય છે.

છેલ્લી વસ્તી ગણતરી મુજબ ગામનો સાક્ષરતા દર 47.38 % છે. એમાં પુરુષ 60.55% અને સ્ત્રીઓનો સાક્ષરતા દર 35.02 % છે. જે દાહોદ જિલ્લાના કુલ સાક્ષરતા દર 58% કરતા નીચો રહેવા પામેલ છે. છૂટક મજૂરી સાથે સંકળાયેલા આ લોકો શિક્ષણ માટે હજુ પણ જાગૃતતા ઓછી ધરાવે છે.

નાનીખજુરી ગામમાં નાનો ભાઈ અને મોટીખજુરી ગામમાં મોટોભાઈ વસ્યાં. અહીં દેશી ખજુરીના વૃક્ષો ઠેરઠેર ઉગેલા જોવા મળે છે, જેથી નાનાભાઈના ગામનું નામ નાનીખજુરી પડ્યું અને મોટાભાઈના ગામનું નામ મોટીખજુરી.

ગામની પુર્વ દિશામાં ડુંગરમાળા પથરાયેલી છે. જ્યાં સાગ, મહુડો, નિલગીરી વગેરે જેવા વૃક્ષો છે. ઈશાન ખૂણામાં બેડ નદી પર બેડાત ગામમાં વાંકલેશ્વર ડેમ બાંધવામાં આવેલો છે. આ ડેમ પરથી નહેરો દ્વારા પાણી આપવામાં આવે છે. જેથી આખા ગામમાં શીયાળો, ઉનાળો પિયત ખેતી પણ કરી શકાય છે.

છૂટાછવાયા ઘરો અને નાના-નાના ખેતરો અને આર્થિક ઉપાર્જનના ઓછાં સાધનો હોવાથી લોકો પાસે અસ્થાયી સ્થળાંતર કરીને બે પાંદડે થવા માટે શિક્ષણ કરતાં મજૂરીને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે.

આ ગામમાં શિક્ષણ મેળવવા માટે બાળકોને પ્રાથમિક શાળા પછી બહાર ગામની હાઈસ્કૂલમાં અભ્યાસ માટે જવાનાં લીધે માધ્યમિક શિક્ષણ લેવા માટે માંડ ૫૦% બાળકો ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પુરું કરે છે. જેથી જાગૃતતા ઓછી રહેવા પામેલ છે.

બાળકોને શિક્ષણ સાથે સાથે નાનાં મોટાં કામકાજ, ખેતીવાડી, પશુપાલન અને સામાન્ય ઘરકામ સાથે ફરજિયાત જોડાવું પડે છે. જેથી શિક્ષણ પર અસરો જોવા મળે છે. ગામમાં શિક્ષણ માટે ગ્રામ પંચાયત, યુવાનો, એસએમએસી નાનીખજૂરી અને પ્રાથમિક શાળા પરિવાર ખુબ મહેનત કરી રહ્યો છે. જેથી ગામમાં સાક્ષરતા દર ઊંચો આવે.

To Top ↑